હું થોડા દિવસ પહેલાં ફેમિલી સાથે કુલુ મનાલી શિમલા ફરવા ગઈ હતી. ત્યારે અમે જે હોટલમાં ઊતર્યા હતા તે હોટલમાં એકલી સાંજે હોટલની લોનમાં આંટો મારવા ગઈ ત્યારે એક હેન્ડસમ યુવાન પણ ત્યાં વોક કરી રહ્યો હતો. એને જોતાં જ એ મને ખૂબ ગમી ગયો. એ પણ મને સતત જોયા કરતો હતો. ખૂબ ઠંડું ખુશનુમા વાતાવરણ હતું. ચાલતાં ચાલતાં અમે એકબીજાની નજીક આવી ગયાં અને અચાનક હું પગ લપસતાં એને અથડાઈ. એણે તરત મને પકડી લેતાં હું પડતાં પડતાં બચી ગઈ, પણ એણે મને બાથમાં લેતાં મારા શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. મેં એને સોરી કહેતાં એણે સ્મિત કર્યું. પછી રૂમમાં જતી વેળા અમે લિફ્ટમાં સાથે જ થઈ ગયાં. એણે અચાનક મને આલિંગનમાં લઈને કિસ કરી લીધી અને બહાર નીકળતી વેળા એણે મને મોબાઈલ નંબર પૂછીને ડાયલ કરીને એ રીતે એનો નંબર આપ્યો. પછી અમે મળ્યાં નહીં. મને એ બહુ યાદ આવે છે. એનો કોન્ટેક્ટ કરી લવ પ્રપોઝ કરું?
લવ ગુરુ નો જવાબ
તું શેમાં ભણે છે તે અંગે કંઈ જણાવ્યું નથી, પરંતુ ૨૦ વર્ષની ઉંમર દર્શાવી છે તે પરથી તું કૉલેજમાં ભણતી હશે એવું અનુમાન કરી શકાય. સ્કૂલ કે કૉલેજમાં અભ્યાસ કરતાં છોકરા-છોકરીઓ માટે હવે લવ શબ્દ સામાન્ય થઈ ગયો છે. ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, ફિલ્મો વગેરેના પ્રતાપે તરુણ-તરુણીઓ…યુવાવર્ગ માટે વિજાતીય પાત્રો સાથે ફ્રેન્ડશિપનો ટ્રેન્ડ છે. હરવું-ફરવું, રખડવું, પાર્ટીઓ કરવી અને ગમી જાય તે પાત્ર સાથે શારીરિક આકર્ષણને પ્રેમનું મહોરું પહેરાવી સેક્સ માણવું અને પછી બ્રેક અપ…તારી વય જોતાં તારા પર પણ આવી બાબતો હાવી થઈ શકે છે. તું જ વિચાર, આ રીતે પ્રેમ થાય? આ તો શારીરિક આકર્ષણ અને સેક્સ વૃત્તિની અસર.
તું સ્કૂલ કે કૉલેજમાં આ રીતે કોઈ છોકરા પ્રત્યે આકર્ષાય એ શક્ય છે, પરંતુ આ રીતે તું ફેમિલી સાથે ફરવા જાય અને એક અજાણ્યા યુવાન સાથે આલિંગન અને કિસ સુધી પહોંચી જાય એની પાછળ યૌવનનો ઉન્માદ, શારીરિક આકર્ષણ, સેક્સ માણવાની ઇચ્છા જ કારણભૂત માની શકાય, પરંતુ એક વાત એ પણ સત્ય છે કે મોટાભાગે પ્રેમની શરૂઆત આકર્ષણથી જ થતી હોય છે. એ થિયોરિટિકલ સમજી વિચારીને પછી થતો હોતો નથીઃ કેઝ્યુઅલ સેક્સ પણ આ પ્રકારનું હોય છે, પરંતુ તે પછી તે વ્યક્તિને પામવાનો તલસાટ હોતો નથી. તેને જોયા વિના, મળ્યા વિના રહી જ ન શકાય એવું હોતું નથી. તારો કિસ્સો આમ તો આકર્ષણનો હોવા છતાં પ્રેમના અંકુર ફૂટ્યા હોય એવો જણાય છે. તને તે યુવક પ્રત્યે જે તલસાટ અનુભવાઈ રહ્યો છે તે દર્શાવે છે કે તને અગાઉ કોઈ યુવક સાથે ગાઢ મૈત્રી કે પ્રેમ થયો નથી. પેલા યુવક માટે પણ તારા જેવી જ અનુભૂતિ હોઈ શકે.
જોકે આ ખૂબ નાજુક બાબત છે. તે યુવક વિશે તું કંઈ જ જાણતી નથી. એ પરણેલો પણ હોઈ શકે. તેણે તારો મોબાઇલ નંબર લીધો અને તને ડાયલ કરીને એ રીતે પોતાનો નંબર પણ તને આપ્યો છે. જોકે, ત્યારબાદ એણે તારો સંપર્ક
કર્યો નથી. સંભવતઃ એ તું સંપર્ક કરે એવું ઈચ્છતો હોય. તારા ફોનની રાહ જોતો હોય. એટલે તું એને ફોન કરી તેનો સંપર્ક કર. એનું નામ, સરનામું, અભ્યાસ, વ્યવસાય વગેરે અંગે પૂછી માહિતી મેળવ. કદાચ એ કહે તે સાચું ન પણ હોય. એ ક્યાંનો છે તે જાણી લે. નજીક જ રહેતો હોય તો જલદી રૂબરૂ મુલાકાત ગોઠવો, પરંતુ બહુ દૂર કોઈ શહેરમાં રહેતો હોય તો તેને તારા શહેરમાં મુલાકાત ગોઠવવા કહેવું. મુલાકાત થયા બાદ અવારનવાર મળી યોગ્ય લાગે તો જ આગળ વધવું. સંબંધ આગળ વધારવામાં ઉતાવળ ન કરતી, કારણ કે આ રીતે છોકરીને આકર્ષિત કરીને પછી પ્રેમના નામે ભોગવીને પછી ઘણી વાર દુરુપયોગ થતો હોય છે. બ્લેકમેઈલ કરીને વારંવાર નાણાં પડાવવાં તેમજ કોઈ ગેંગ સાથે સંકળાયેલો હોય તો દેહ વ્યવસાયમાં ધકેલી દે, ગેરકાનૂની પ્રવૃત્તિ કરવા મજબૂર કરે અને જીવન એવું નરકસમું બનાવી દે કે આપઘાત કરવા સિવાય કોઈ માર્ગ જ ન રહે. એટલે તે યુવાન બધી રીતે યોગ્ય અને અનુકૂળ હોય તે ખાસ જોવું.
તેનું પૂરું સરનામું, વ્યવસાય અને બીજી પ્રવૃત્તિઓ વિશે જાણવું અને તેની ખાતરી કરી લેવી. તેના ઘરે પણ જવું અને તારાં મમ્મી-પપ્પાને પણ આ અંગે વાકેફ કરવાં, જેથી તેઓ પણ તપાસ કરે અને તારી જિંદગીને બરબાદ થતી અટકાવે. આ આખી જિંદગીનો સવાલ છે. હજી પ્રેમસંબંધ બંધાયો નથી એટલે એમાં આગળ ન વધાય તો પણ આઘાત નહીં લાગે અને તું અભ્યાસ કરે છે. તું આ બધું વિચારવાને બદલે અભ્યાસમાં જ ધ્યાન આપી સરસ કરિયર બનાવ. આ રીતે અજાણ્યા યુવક પાછળ પાગલ ન બનાય.
વળી ધારો કે તે બધી રીતે સારો હોય તો પણ તાત્કાલિક મેરેજનો સવાલ જ નથી, કારણ કે અભ્યાસ પૂરો થયો નથી એટલે તે યુવક પણ તને પ્રેમ કરતો હોય તો તેને રાહ જોવા કહેજે. આ સમય દરમિયાન ક્યારેય તેને શરીર સમર્પિત કરવાની ભૂલ ન કરતી. ધીરજપૂર્વક આગળ વધજે. તું ધારે તું તેને ભૂલી જ શકે અને થોડાં વર્ષ બાદ યોગ્ય પાત્ર શોધી શકે છે.